ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું 
વ્યક્તિત્વ અને શૈક્ષણિક સિદ્ધિ
( પૂર્વે થયેલાં સંશોધનના સારાંશ )




 


પ્રયોજક
પ્રભુદાસ એચ. આગિયા
બી.કોમ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ૨૦૧૩
એમ.કોમ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ૨૦૧૫
બી.એડ્. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ૨૦૧૮








માસ્ટર ઓફ એજ્યુકેશનની
 ઉપાધિ માટેના નિયમો અન્વયે
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાં
રજૂ કરવામાં આવનાર
સંશોધન સારાંશ


શિક્ષણ અનુસ્નાતક કેન્દ્ર,
આર.જી.ટીચર્સ કૉલેજ,
પોરબંદર








માર્ચ - ૨૦૧૯



ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું 
વ્યક્તિત્વ અને શૈક્ષણિક સિદ્ધિ
[ પૂર્વે થયેલાં સંશોધનોના સારાંશ ]


માર્ગદર્શક                           પ્રયોજક
 દર્શિની આર. ભોજાણી   પ્રભુદાસ એચ. આગિયા
( એમ.એ. , એમ.એડ્. )               ( એમ.કોમ. , બી.એડ્. )

શિક્ષણ અનુસ્નાતક કેન્દ્ર
આર.જી.ટીચર્સ કૉલેજ,
પોરબંદર





(સારાંશ - ૧)
      ગાયકવાડ, જી. એન. (૧૯૯૫) એ ડાંગ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અભ્યાસ ટેવો અને શૈક્ષણિક સિદ્ધિ પર તેમની કૌટુંબિક પાશ્ચાદ્ભૂની અસરનો અભ્યાસ એ વિષય પર સંશોધન કાર્ય કર્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા એમ.એડ્. કક્ષાના તેમના અભ્યાસના હેતુઓ આ પ્રમાણે હતા. (૧) ડાંગ જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની અભ્યાસ ટેવો પર જાતીયતા, ઉંમર, વાર્ષિક આવક, અભ્યાસેતર પ્રવૃત્તિ, માતાનો અભ્યાસ, પિતાનો અભ્યાસ, ભાંડુઓનો અભ્યાસ અને કુટુંબના પ્રકારની અસર તપાસવી. (૨) ડાંગ જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ પર જાતીયતા, ઉંમર, વાર્ષિક આવક, અભ્યાસેતર પ્રવૃત્તિ, માતાનો અભ્યાસ, પિતાનો અભ્યાસ, ભાંડુઓનો અભ્યાસ અને કુટુંબના પ્રકારની અસર તપાસવી.
       પ્રસ્તુત સંશોધનમાં પ્રયોજકે બી. વી. પટેલ રચિત ‘અભ્યાસ ટેવ સંશોધિની’ નો ઉપયોગ કર્યો હતો. તેમજ ઉત્તરપત્ર મેળવવા અલગ ઉપકરણની રચના કરી તેનો પણ ઉપયોગ કર્યો હતો. પ્રયોજકે ડાંગ જિલ્લામાં આવેલા ગુજરાતી માધ્યમને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૯૯૪-૯૫ ના શૈક્ષણિક વર્ષના વિદ્યાર્થીઓનો વ્યાપવિશ્વમાં સમાવેશ કર્યો હતો. તેમાંથી યાર્દચ્છિક નમૂના પસંદગી પદ્ધતિ દ્વારા ડાંગ જિલ્લામાં આવેલી ચાર ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કુલ ૫૪૧ વિદ્યાર્થીઓને પાત્ર તરીકે પસંદ કર્યા હતા. પ્રયોજકે સર્વેક્ષણ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો અને ટી-કસોટી તથા સહસંબંધ દ્વારા પૃથક્કરણ કર્યું હતું.
        પ્રસ્તુત અભ્યાસના અંતે આ પ્રમાણેના તારણો મળ્યા હતા. (૧) છોકરાઓને છોકરીઓ અભ્યાસ ટેવોની બાબતમાં સમાન હતા. (૨) અઢાર વર્ષથી વીસ વર્ષની વયના વિદ્યાર્થીઓના અભ્યાસ ટેવો અને શૈક્ષણિક સિદ્ધિ અઢાર વર્ષથી નીચેની વયના વિદ્યાર્થીઓ કરતાં સારી હતી. (૩) સંયુક્ત કુટુંબમાંથી અને વિભક્ત કુટુંબમાંથી આવતા વિદ્યાર્થીઓની અભ્યાસ ટેવો સમાન હતી. (૪) છોકરાઓ અને છોકરીઓની શૈક્ષણિક સિદ્ધિ પર જાતીયતાની અસર ન હતી. (૫) વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ પર તેના પિતાના અને માતાના અભ્યાસની અસર થતી નથી. (૬) વિભક્ત કુટુંબમાંથી આવતા વિદ્યાર્થીઓ કરતા સંયુક્ત કુટુંબમાંથી આવતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ ઊંચી હતી.
સંદર્ભ
        જી. એન. ગાયકવાડ, ડાંગ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અભ્યાસ ટેવો અને શૈક્ષણિક સિદ્ધિ પર તેમની કૌટુંબિક પાશ્ચાદ્ભૂની અસરનો અભ્યાસ. અપ્રકાશિત લઘુ શોધનિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. ૧૯૯૫.



















(સારાંશ - ૨)
     અઢિયા, કે. એચ. (૧૯૯૬) એ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના ઘટકોનો અભ્યાસ અને તેમના વ્યક્તિત્વની પાશર્વાકૃતિની રચના એ વિષય પર સંશોધન કાર્ય કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા એમ.એડ્. કક્ષાના તેમના આ અભ્યાસનો હેતુઓ આ પ્રમાણે હતા. (૧) માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો અભ્યાસ કરવો. (૨) માધ્યમિક શાળાના છોકરાઓના વ્યક્તિત્વનો અભ્યાસ કરવો. (૩) માધ્યમિક શાળાની છોકરીઓના વ્યક્તિત્વનો અભ્યાસ કરવો. (૪) માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિના સંદર્ભમાં વ્યક્તિત્વના ઘટકોની ચકાસણી કરી તેમની પાશર્વાકૃતિઓ તૈયાર કરવી. (૫) માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની જાતિના સંદર્ભમાં વ્યક્તિત્વના ઘટકોની ચકાસણી કરી તેમની પાશર્વાકૃતિઓ તૈયાર કરવી. (૬) માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની કક્ષાના સંદર્ભમાં વ્યક્તિત્વના ઘટકોની ચકાસણી કરી તેમની પાશર્વાકૃતિઓ તૈયાર કરવી.
     પ્રસ્તુત સંશોધનમાં પ્રયોજકે સ્વરચિત પ્રશ્નાવલીનો ઉપયોગ કર્યો હતો. પ્રયોજકે ગાંધીનગર શહેરની ગુજરાતી માધ્યમની શાળાઓમાં ૧૯૯૫-૯૬ ના શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વ્યાપવિશ્વ તરીકે સ્વીકારેલા હતા. તેમાંથી સહેતુક યાર્દચ્છિક નમૂના પદ્ધતિ દ્વારા પાંચ માધ્યમિક શાળાઓમાંથી ૧૫૦ કન્યાઓ અને ૨૦૦ કુમારો એમ કુલ ૩૫૦ વિદ્યાર્થીઓને પાત્ર તરીકે પસંદ કર્યા હતા. પ્રયોજકે સર્વેક્ષણ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો અને વિચરણ પૃથક્કરણ દ્વારા પૃથક્કરણ કર્યું હતું.
        પ્રસ્તુત અભ્યાસના અંતે આ પ્રમાણેના તારણો મળ્યા હતા. (૧) નિમ્ન અભ્યાસ સ્તરવાળા વિદ્યાર્થીઓ મૃર્ત વિચારશક્તિ ધરાવતા જોવા મળ્યા હતા. (૨) ધોરણ - ૯ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ મિલનસાર, તેજસ્વી અને સ્વતંત્ર નિયમોમાં માનનાર જોવા મળ્યા હતા. (૩) ધોરણ - ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ શરમાળ, અતડા, નરમ અને કાયદાનો ભંગ કરનારા જોવા મળ્યા હતા. (૪) અભ્યાસનું સ્તર અને જાતિની આંતરક્રિયાની વ્યક્તિત્વના ઘટકો પર અસર જોવા મળી હતી. (૫) ધોરણ અને જાતિની આંતરક્રિયાની અસર વ્યક્તિત્વના ઘટક પર જોવા મળી હતી.
સંદર્ભ
     કે. એચ. અઢિયા, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના ઘટકોનો અભ્યાસ અને તેમના વ્યક્તિત્વની પાશર્વાકૃતિની રચના. અપ્રકાશિત લઘુ શોધનિબંધ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. ૧૯૯૬.





















(સારાંશ - ૩)
       ચૌહાણ, એસ. એમ. (૧૯૯૭) એ ગાંધીનગરમાં આવેલ પ્રાથમિક શાળાના ધોરણ - ૫ થી ૭ ના બાળકોના વ્યક્તિત્વ લક્ષણોનો અભ્યાસ એ વિષય પર સંશોધન કાર્ય કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા એમ.એડ્. કક્ષાના તેમના અભ્યાસના હેતુઓ આ પ્રમાણે હતા. (૧) ખાનગી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં છોકરાઓ-છોકરીઓના વ્યક્તિત્વના વિવિધ લક્ષણોનો અભ્યાસ કરવો. (૨) સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા છોકરાઓ-છોકરીઓના વ્યક્તિત્વના વિવિધ લક્ષણોનો અભ્યાસ કરવો. (3) વિદ્યાર્થીઓમાં વ્યક્તિત્વના વિવિધ પાસાઓનો તેમની જાતિ, ધોરણ અને શાળાના પ્રકારના સંદર્ભમાં તુલના કરવી. (૪) વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિવિધ પાસાઓની તેમની શૈક્ષણિક સિદ્ધિની કક્ષાના સંદર્ભમાં તુલના કરવી.
         પ્રસ્તુત સંશોધનમાં પ્રયોજકે ડૉ. આર. એસ. પટેલની સી.પી.ક્યુ. કસોટીનો ઉપયોગ કર્યો હતો. પ્રયોજકે ગાંધીનગર શહેરની ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં ૧૯૯૬-૯૭ ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન ધોરણ - ૫ થી ૭ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વ્યાપવિશ્વ તરીકે સ્વીકારેલ હતા. તેમાંથી સ્તરીકૃત યાર્દચ્છિક નમૂના પસંદગી પદ્ધતિથી પાંચ સરકારી અને પાંચ ખાનગી શાળાઓમાંથી ધોરણ - ૫ થી ૭ ના કુલ ૩૬૦ વિદ્યાર્થીઓને પાત્ર તરીકે લીધા હતા. પ્રયોજકે સર્વેક્ષણ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો અને વિચરણ પૃથક્કરણ દ્વારા પૃથક્કરણ કર્યું હતું.
           પ્રસ્તુત સંશોધનના અંતે આ પ્રમાણેના તારણો મળ્યા હતા. (૧) ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિ ધરાવતા સરકારી શાળાના ધોરણ - ૭ ના છોકરાઓ સૌથી વધુ સામાજિક, મિલનસાર, આવેગાત્મક જેવા ગુણો ધરાવતા મળ્યા હતા. (૨) ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિ ધરાવતી ખાનગી શાળાઓની ધોરણ - ૭ ની છોકરીઓ વધુ બૌદ્ધિક, તેજસ્વિતા ધરાવતી અમૂર્ત વિચારશક્તિવાળી અને શાળકીય પ્રગતિ ધરાવનારી મળી હતી. (૩) નિમ્ન શૈક્ષણિક સિદ્ધિ ધરાવતા ખાનગી શાળાઓના ધોરણ - ૫ ના છોકરાઓ સૌથી વધુ જડ, નીરસ અને મૂર્ત વિચારશક્તિ ધરાવનારા જોવા મળ્યા હતા. (૪) સરકારી શાળાની નિમ્ન શૈક્ષણિક સિદ્ધિ ધરાવતી ધોરણ - ૫ ની છોકરીઓ સૌથી વધુ ઉશ્કેરાઈ જાય તેવી, અધીરી અને સંકોચ વગરની જોવા મળી હતી. (૫) નિમ્ન શૈક્ષણિક સિદ્ધિ ધરાવતી ખાનગી શાળાની ધોરણ - ૬ ની છોકરીઓ સૌથી વધુ આત્મસંતોષી, શાંત, નિર્ભય, ગંભીર તેમજ સ્વશક્તિમાં માનનારી જોવા મળી હતી. (૬) ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિ ધરાવનારી સરકારી શાળાની છોકરીઓ સૌથી વધુ શરમાળ, બીકણ, આત્મવિશ્વાસનો અભાવ ધરાવનારી જોવા મળી હતી. (૭) નિમ્ન શૈક્ષણિક સિદ્ધિ ધરાવતા ધોરણ - ૭ ના છોકરાઓ સૌથી વધુ કેળવાયેલ પણ તંગ, ચીડિયા સ્વભાવવાળા, ભવિષ્ય વિશે સૌથી વધુ ચિંતિત અને ઉશ્કેરાટ ધરાવનારા જોવા મળ્યા હતા.
સંદર્ભ
      એસ. એમ. ચૌહાણ, ગાંધીનગરમાં આવેલ પ્રાથમિક શાળાના ધોરણ - ૫ થી ૭ ના બાળકોના વ્યક્તિત્વ લક્ષણોનો અભ્યાસ. અપ્રકાશિત લઘુ શોધનિબંધ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. ૧૯૯૭.

















(સારાંશ - ૪)
        ધોકિયા, એમ. પી. (૧૯૯૮) એ અંતર્મુખી - બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના બુદ્ધિઆંક, શૈક્ષણિક સિદ્ધિ અને આત્માભિવ્યક્તિનો અભ્યાસ એ વિષય પર સંશોધન કાર્ય કર્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાથ ધરાયેલ એમ.એડ્. કક્ષાના તેમના આ અભ્યાસના હેતુઓ આ પ્રમાણે હતા. (૧) અંતર્મુખી - બહિર્મુખી વ્યક્તિત્વમાપન સંશોધનિકાની રચના કરવી અને તેનું પ્રમાણીકરણ કરવું. (૨) ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના અંતર્મુખી - બહિર્મુખી વ્યક્તિત્વ પર પ્રવાહ, ધોરણ, જાતીયતા, શૈક્ષણિક સિદ્ધિ અને સામાજિક સ્થિતિની અસર તપાસવી. (૩) ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના અંતર્મુખી - બહિર્મુખી વ્યક્તિત્વનો આત્માભિવ્યક્તિ અને બુદ્ધિઆંક સાથેનો સંબંધ તપાસવો.
        પ્રસ્તુત સંશોધનમાં પ્રયોજકે સ્વરચિત વ્યક્તિત્વ સંશોધનિકા નો ઉપયોગ કર્યો હતો અને તૈયાર ઉપકરણ તરીકે કે. જી. દેસાઈ રચિત દેસાઈ શાબ્દિક-અશાબ્દિક સમૂહ બુદ્ધિ કસોટી તેમજ વીણા બી. વૈશનવ રચિત આત્માભિવ્યક્તિ સંશોધનિકાનો ઉપયોગ કર્યો હતો. પ્રયોજકે રાજકોટ શહેરની ગુજરાતી માધ્યમની શાળાઓમાં ૧૯૯૭-૯૮ ના શૈક્ષણિક વર્ષ દરમિયાન વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગૃહવિજ્ઞાન પ્રવાહના ધોરણ અગિયાર અને બાર એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વ્યાપવિશ્વ તરીકે સ્વીકારેલા હતા. તેમાંથી યાર્દચ્છિક નમૂના પસંદગીથી ત્રણ કન્યા શાળા અને બે કુમાર શાળામાંથી કુલ ૫૦૦ વિદ્યાર્થીઓને પાત્ર તરીકે લીધા હતા. પ્રયોજકે સર્વેક્ષણ સંશોધન પદ્ધતિ નો ઉપયોગ કર્યો હતો અને ટી-કસોટી તથા વિચરણ પૃથક્કરણ દ્વારા પૃથક્કરણ કર્યું હતું.
        પ્રસ્તુત અભ્યાસના અંતે આ પ્રમાણેના તારણો મળ્યા હતા. (૧) સામાન્ય પ્રવાહ, ગૃહવિજ્ઞાન પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પૈકી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ બહિર્મુખી હતા, જ્યારે ગૃહવિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અંતર્મુખી હતા. (૨) ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ, ધોરણ બારના વિદ્યાર્થીઓની સરખામણીમાં વધુ બહિ‌ર્મુખી હતા. (૩) ઉચ્ચતર માધ્યમિક શાળાના કુમારો અને કન્યાઓ વ્યક્તિત્વની બાબતમાં સમાન હતા. (૪) અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, અનુસૂચિત જનજાતિ / વિમુક્ત જાતિ / વિચરતી જનજાતિ અને બિનપછાત વિદ્યાર્થીઓ અંતર્મુખી - બહિર્મુખી વ્યક્તિત્વની બાબતમાં સમાન હતા. (૫) ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ બહિર્મુખી હતા. જ્યારે નિમ્ન શૈક્ષણિક સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ અંતર્મુખી હતા. (૬) વિદ્યાર્થીઓનો અંતર્મુખી - બહિર્મુખી વ્યક્તિત્વ અને બુદ્ધિ વચ્ચે ઘન સંબંધ હતો. પરંતુ તે સાર્થક નથી. આથી તેઓ પરસ્પર આધારિત નથી.
સંદર્ભ
     એમ. પી. ધોકિયા, અંતર્મુખી - બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના બુદ્ધિઆંક, શૈક્ષણિક સિદ્ધિ અને આત્માભિવ્યક્તિનો અભ્યાસ. અપ્રકાશિત લઘુ શોધનિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. ૧૯૯૮.


















(સારાંશ - ૫)
      પરમાર, એસ. એમ. (૧૯૯૯) એ રાજકોટ શહેરના ધોરણ - ૧૦ માં ઉચ્ચ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીીઓની અભ્યાસ ટેવ એ વિષય પર સંશોધન કાર્ય કર્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં હાથ ધરાયેલ એમ.એડ્. કક્ષાના તેમના આ અભ્યાસના હેતુઓ આ પ્રમાણે હતા. (૧) ઘરના વાતાવરણ અને અભ્યાસ માટે કરેલાં આયોજનના સંદર્ભમાં, પરીક્ષાની તૈયારીના સંદર્ભમાં, ટેવો અને શાળાના વાતાવરણના સંદર્ભમાં વિદ્યાર્થીઓની અભ્યાસ ટેવ જાણવી. (૨) કોઈ ચોક્કસ ઘટકમાં વહેંચી ન શકાય તેવી કેટલીક અગત્યની બાબતોમાં વિદ્યાર્થીઓને અભ્યાસ ટેવ જાણવી. (૩) ઉચ્ચ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓને અભ્યાસ ટેવમાં જાતીય તફાવત છે કે નહિ તે તપાસવું.
          પ્રસ્તુત સંશોધનમાં પ્રયોજકે સ્વરચિત અભ્યાસ ટેવ સંશોધિનીનો ઉપયોગ કર્યો હતો. પ્રયોજકે રાજકોટ શહેરની ગુજરાતી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં અને ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં ૮૦% કે તેનાથી વધારે ગુણ મેળવેલ વિદ્યાર્થીઓને વ્યાપવિશ્વ તારીખે કરેલા હતા તેમાંથી સ્તરીકૃત યાર્દચ્છિક નમૂના પદ્ધતિથી ચાર ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૭૯ કુમારો અને ૫૪ કન્યાઓ એમ કુલ ૧૩૩ વિદ્યાર્થીઓને નમૂના તરીકે પસંદ કર્યા હતા. પ્રયોજકે સર્વેક્ષણ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો તેમજ કાઈ વર્ગ કસોટી દ્વારા પૃથક્કરણ કર્યું હતું. 
               પ્રસ્તુત અભ્યાસના અંતે આ પ્રમાણેના તારણો મળ્યા હતા. (૧) ઉચ્ચ સિદ્ધિ મેળવતા વિદ્યાર્થીઓ માટે, હંમેશા અભ્યાસરૂમ અલગ હતો, હંમેશા વાંચતી વખતે અગત્યના મુદ્દાઓની નોંધ કરી લેતા, ન આવડતા વિષયોના અભ્યાસ માટે હંમેશા વધુ સમય આપતા, હંમેશા અગાઉના વર્ષોના પ્રશ્નપત્રો તૈયાર કરતા હતા અને શાળાની બધી પરીક્ષાઓ આપતા હતા. (૨) ઉચ્ચ સિદ્ધિ મેળવતા વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર સમયસર પૂરું થઈ જાય તે માટે હંમેશા લેખન પર વધુ ધ્યાન આપતા હતા. હંમેશા શાળાના પિરિયડો નિયમિત રીતે ભરતા હતા અને વર્ગમાં થતી ચર્ચામાં ભાગ લેતા હતા. (૩) અભ્યાસ ટેવના સંદર્ભમાં જાતીય તફાવત જોવા મળ્યો ન હતો.
સંદર્ભ 
      એસ. એમ. પરમાર, રાજકોટ શહેરના ધોરણ - ૧૦માં ઉચ્ચ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓની અભ્યાસ ટેવ. અપ્રકાશિત લઘુ શોધનિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. ૧૯૯૯.




(સારાંશ - ૬)

         ઝાલા, પી. પી. (૧૯૯૯) એ અમદાવાદ શહેરમાં આવેલી કેટલીક ખાનગી શાળાઓના ધોરણ – ૨, ૩ અને ૪ ના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વની તરાહનો કેટલાક ચલોના સંદર્ભમાં અભ્યાસ એ વિષય પર સંશોધન કાર્ય કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં હાથ ધરાયેલ એમ. એડ્. કક્ષાના તેમના આ અભ્યાસના હેતુઓ આ પ્રમાણે હતા. (૧) અમદાવાદ શહેરની પસંદ કરેલી પ્રાથમિક શાળાઓના ધોરણ – ૨, ૩ અને ૪ ના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના લક્ષણોનો અભ્યાસ કરવો. (૨) અમદાવાદ શહેરની પ્રાથમિક શાળાઓના ધોરણ – ૨, ૩ અને ૪ ના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના લક્ષણોની તુલના કરવી. (૩) અમદાવાદ શહેરની પ્રાથમિક શાળાઓના ધોરણ – ૨, ૩ અને ૪ ના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના લક્ષણોની તુલના શાળાના વિસ્તારને ધ્યાનમાં રાખીને કરવી. (૪) અમદાવાદ શહેરની પ્રાથમિક શાળાઓના ધોરણ – ૨, ૩ અને ૪ ના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના લક્ષણો ઉપર વિદ્યાર્થીઓના જન્મક્રમની અસર તપાસવી.

        પ્રસ્તુત સંશોધનમાં પ્રયોજકે ભરત દવેની ‘વ્યકિતમાપન (ESPQ) કસોટી’ નો ઉપયોગ કર્યો હતો. તેમજ ડૉ. બી, વી, પટેલ અને આઈ. ઓ. વોરા રચિત ‘આર્થિક – સામાજિક માપદંડ’ નો પણ ઉપયોગ કર્યો હતો. પ્રયોજકે અમદાવાદ શહેરની ગુજરાત માધ્યમની પ્રાથમિક શાળાઓમાં ૧૯૯૮-૯૯ ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન ધોરણ – ૨, ૩ અને ૪ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વ્યાપવિશ્વ તરીકે સ્વીકારેલા હતા. તેમાંથી ઝૂમખાં નમૂના પસંદગી પદ્ધતિથી કુલ ૪૫૦ વિદ્યાર્થીઓને પાત્ર તરીકે પસંદ કર્યા હતા. પ્રયોજકે સર્વેક્ષણ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો અને ટી-કસોટી દ્વારા પૃથક્કરણ કર્યું હતું.

       પ્રસ્તુત અભ્યાસ અંતે આ પ્રમાણેના તારણો મળ્યા હતા (૧) ઉંમર વર્ષ - ૬ ના શ્રી રાજાભગત વિદ્યામંદિરના વિધાર્થીઓ અંકુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કરતાં કાલ્પનિક વિચાર ધરાવતા જોવા મળ્યા હતા. (૨) ઉંમર વર્ષ – ૬ ના આઈ. પી. મિશન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શ્રી રાજાભગત વિદ્યામંદિરના વિધાર્થીઓ કરતાં આજ્ઞાંકિત અને સહેલાઈથી અનુફૂળ થઈ જાય તેવા ગુણો ધરાવતા જોવા મળ્યા હતા. (૩) ઉંમર વર્ષ – ૬ ના અંકુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આઈ. પી. મિશન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કરતાં ઉત્સાહી, નરમ, ભળી જાય તેવા પરિપકવ, શાંતિ, લાગણીશીલ જેવા ગુણો ધરાવતા જોવા મળ્યા હતા. (૪) ઉંમર વર્ષ – ૭ ના શ્રી રાજાભગત વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અંકુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કરતાં સ્વતંત્ર, સ્વયંપ્રેરિત, લાગણીશીલ, નિખાલસ, ચોક્કસ અને શાંત જેવા ગુણો ધરાવતા જોવા મળ્યા હતા. (૫) ઉંમર વર્ષ – ૭ ના આઈ. પી. મિશન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શ્રી રાજાભગત વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ કરતાં પરતંત્ર સ્વભાવના, સંકોચ વૃત્તિવાળા, નિરાશ હોય તેવા ગુણો ધરાવતા જોવા મળ્યા હતા. (૬) ઉંમર વર્ષ – ૮ ના અંકુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આઈ. પી. મિશન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કરતાં લાગણી પ્રત્યે સ્થિર, પરિપકવ, શાંત અને ચુસ્ત જેવા ગુણો ધરાવતા જોવા મળ્યા હતા. (૭) ઉંમર વર્ષ – ૮ ના શ્રી રાજાભગત વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અંકુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કરતાં ઉત્સાહી, ભળી જાય તેવા ગુણો ધરાવતા મળ્યા હતા.

 સંદર્ભ 
         પી. પી. ઝાલા, અમદાવાદ શહેરમાં આવેલી કેટલીક ખાનગી શાળાઓના ધોરણ – ૨, ૩ અને ૪ ના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વની તરાહનો કેટલાક ચલોના સંદર્ભમાં અભ્યાસ. અપ્રકાશિત લઘુ શોધનિબંધ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. ૧૯૯૯.







(સારાંશ - ૭)

      જાદવ, એસ. આર. (૨૦૦૩) એ અમદાવાદ શહેરની બી.એડ્. કૉલેજોના તાલીમાર્થીઓના વ્યક્તિત્વનો અભ્યાસ એ વિષય પર સંશોધન કાર્ય કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં હાથ ધરાયેલ એમ.એડ્. કક્ષાના તેમના આ અભ્યાસના હેતુઓ આ પ્રમાણે હતા. (૧) અમદાવાદ શહેરની બી.એડ્. કૉલેજોના તાલીમાર્થીઓના વ્યક્તિત્વનો અભ્યાસ કરવો. (૨) અમદાવાદ શહેરની બી.એડ્. કોલેજોના તાલીમાર્થીઓની બહિર્મુખતા પર જાતિ, જન્મક્રમ અને તેમની વચ્ચે થતી આંતરક્રિયાની અસર તપાસવી. (૩) અમદાવાદ શહેરની બી.એડ્. કોલેજોના તાલીમાર્થીઓની બહિર્મુખતા પર વિદ્યાશાખા અને શૈક્ષણિક લાયકાત અને તેમની વચ્ચે થતી આંતરક્રિયાની અસર તપાસવી. (૪) અમદાવાદ શહેરની બી.એડ્. કોલેજોના તાલીમાર્થીઓની મંદ મનોવિકૃતિ પર જાતિ અને જન્મક્રમ અને તેમની વચ્ચે તથી આંતરક્રિયાની અસર તપાસવી. (૫) અમદાવાદ શહેરની બી.એડ્. કોલેજના તાલીમાર્થીઓની મંદ મનોવિકૃતિ પર વિદ્યાશાખા અને શૈક્ષણિક લાયકાત અને તેમની વચ્ચે થતી આંતરક્રિયાની અસર તપાસવી. (૬) અમદાવાદ શહેરની બી.એડ્. કોલેજોના તાલીમાર્થીઓની બહિર્મુખતા અને ચિંતા તેમજ મંદ મનોવિકૃતિ અને ચિંતા વચ્ચે સહસંબંધની તપાસ કરવી.   

       પ્રસ્તુત સંશોધનમાં પ્રયોજકે કે.જી. દેસાઈ રચિત ‘વ્યક્તિત્વ સંશોધનિકા’ તેમજ ‘દેસાઈ પ્રકટ ચિંતા માપદંડ’ નો ઉપયોગ કર્યો હતો. પ્રયોજકે અમદાવાદ શહેરની ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન બી.એડ્. કોલેજોમાં ૨૦૦૨-૦૩ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન અભ્યાસ કરતા તાલીમાર્થીઓને વ્યાપવિશ્વ તરીકે સ્વીકારેલા હતા. તેમાંથી યાર્દચ્છિક નમૂના પસંદગીથી આઠ બી.એડ્. કૉલેજમાંથી ૧૧૫ છોકારઓ અને ૧૧૧ છોકરીઓ એમ કુલ ૨૨૬ તાલીમાર્થીઓને પાત્ર તરીકે લીધા હતા. પ્રયોજકે સર્વેક્ષણ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. અને સહસંબંધ, ટી-કસોટી તથા વિચરણ પૃથક્કરણ દ્વારા પૃથક્કરણ કર્યું હતું.

           પ્રસ્તુત અભ્યાસના અંતે આ પ્રમાણેના તારણો મળ્યા હતા. (૧) અમદાવાદ શહેરની બી.એડ્. કૉલેજના મોટાભાગના તાલીમાર્થીઓ બહિર્મુખ વ્યક્તિત્વ ધરાવતા જોવા મળ્યા હતા. (૨) તાલીમાર્થીઓની બહિર્મુખતા પર જાતિ, જન્મક્રમ, વિદ્યાશાખા અને શૈક્ષણિક લાયકાતની કોઈ સાર્થક અસર જોવા મળી નથી. (૩) તાલીમાર્થીઓની બહિર્મુખતા પર જાતિ અને જન્મક્રમ વચ્ચેની તેમજ વિદ્યાશાખા અને શૈક્ષણિક લાયકાત વચ્ચે થતી આંતરક્રિયાની કોઈ સાર્થક અસર જોવા મળી નથી. (૪) તાલીમાર્થીઓની મંદ મનોવિકૃતિ પર તેમની જાતિની સાર્થક અસર જોવા મળી હતી. છોકરાઓ કરતાં છોકરીઓમાં મંદ મનોવિકૃતિનું પ્રમાણ વધારે હતું. (૫) તાલીમાર્થીઓની મંદ મનોવિકૃતિ પર તેમના જન્મક્રમ, વિદ્યાશાખા અને શૈક્ષણિક લાયકાતની કોઈ સાર્થક અસર થઇ નથી. (૬) તાલીમાર્થીઓની મંદ મનોવિકૃતિ પર જાતિ અને જન્મક્રમ વચ્ચેની તેમજ વિદ્યાશાખા અને શૈક્ષણિક લાયકાત વચ્ચે થતી આંતરક્રિયાની કોઈ સાર્થક અસર જોવા મળતી નથી. (૭) તાલીમાર્થીઓની બહિર્મુખતા અને ચિંતા વચ્ચે ઋણ પ્રકારના નહિવત્ સહસંબંધ જોવા મળ્યો, જયારે તાલીમાર્થીઓની મંદ મનોવિકૃતિ અને ચિંતા વચ્ચેનો સહસંબંધ ધન અને સાર્થક હતો.

સંદર્ભ
 એસ. આર. જાદવ, અમદાવાદ શહેરની બી.એડ્. કૉલેજોના તાલીમાર્થીઓના વ્યક્તિત્વનો અભ્યાસ. અપ્રકાશિત લઘુ શોધનિબંધ, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. ૨૦૦૩.













Comments

Popular posts from this blog

M.ed sem 3 mertirial...